Monday, October 16, 2023

ડિસીઝ એક્સ

 પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

કોરોનાથી હજી માંડ કળ વળી છે, ત્યાં તો 'ડિસીઝ એક્સ'ના ભણકારા વાગી રહ્યાં છે અને વિશ્વઆરોગ્ય સંસ્થાએ કેટલાય વાયરસોમાંથી દસ વાયરસથી થતા રોગ અંગે ચિંતા સેવી છે અને આજે એના સંશોધન વિશે કાર્ય ચાલી રહ્યું છે. ઈતિહાસ કહે છે કે, 'આવનારો નવો વાયરસ એ વધુ ખતરનાક હશે અને એને માટે માણસજાતે ડાયગ્નોસ્ટીક્સ ટેસ્ટ અને વેક્સિનની તાબડતોબ વ્યવસ્થા કરવી પડશે. જો એ એવી વ્યવસ્થા નહીં કરે, તો અગાઉના વાયરસ કરતા પણ આ વાયરસ માનવજાતિને માટે ભારે જીવ-લેણ નીવડશે.' કેટલાક કહે છે, 'આવા વાયરસનો ભય બતાવીને માનવજાતિમાં ભય અને ડર સર્જવામાં આવે છે.' તો કેટલાક કહે છે કે, 'આવા પેનિકથી ગભરાવવાને બદલે એમનો હેતુ તો આવો વાયરસ આવી શકે છે એ વાત 'લોકોના રાડાર'માં ધ્યાનમાં લાવવા માટે છે.'

આમ તો ૨૦૨૦થી આવનારા 'ડિસીઝ એક્સ' અંગે સંશોધનો અને તૈયારીઓ ચાલી રહી છે અને આ વાયરસ પશુના વાયરસમાંથી માનવજાતમાં આવશે તેમ માનવામાં આવે છે. હકીકતમાં તો સંશોધકો કહે છે કે, 'હવે પ્રાણીઓને થતાં રોગો ઝડપથી માણસમાં પણ પ્રવર્તશે, કારણ કે માણસો પ્રાણીઓના વધુને વધુ સંપર્કમાં આવે છે અને એ પછી આવો રોગ આજના સમયનો માનવી દેશ-વિદેશ પ્રવાસ ખેડતો અને વેપાર કરતો હોવાથી વધુ ઝડપથી ફેલાય છે.'  'ડિસીઝ એક્સ' કોરોના કરતાં વીસ ગણો જીવલેણ બનશે, તેમ વિજ્ઞાનીઓ કહે છે. આમ એક બાજુ આવનારા 'ડિસીઝ એક્સ' વિશે ચિતાગ્રસ્ત લોકો મળે છે, તો બીજી બાજુ એવા પોઝિટીવ વિચાર કરનારા પણ મળે છે. તેઓ માને છે કે હકીકતમાં આ રોગો અસ્તિત્વમાં જ છે અને આપણે સંશોધન દ્વારા એને દૂર કરી શકીશું, એ હકીકત છે. આવો આશાવાદ શા માટે ?

આના ઉદાહરણ તરીકે અત્યાર સુધીના સૌથી ખરાબમાં ખરાબ રોગ શીતળા વિશે વાત કરવામાં આવે છે. દસ-દસ હજાર વર્ષ સુધી આ વ્યાધિએ માણસજાતને પીડિત કરી છે. ભારત અને ચીનના પ્રાચીન ગ્રંથોમાં શીતળાનો ઉલ્લેખ છે અને ઈજિપ્તના રાજવી રામસે પાંચમાનું મમી ખોલવામાં આવ્યું, ત્યારે એના ચહેરા પર પણ શીતળાનાં ચિહ્નો હતાં. આ શીતળાને કારણે માત્ર વીસમી જ સદીની વાત કરીએ તો ૪૦ કરોડ લોકોનાં મૃત્યુ થયાં છે. માનવજાતનાં આ સમગ્ર ઈતિહાસમાં થયેલા તમામ યુદ્ધોમાં જેટલાં લોકો મૃત્યુ પામ્યા. તેના કરતાં વધુ લોકો શીતળાથી મૃત્યુ પામ્યાં છે.

વર્ષો સુધી દર વર્ષે ચાર લાખ આ રોગનો ભોગ બનતા હતા અને દર ત્રણ દર્દીએ એક દર્દી જીવ ગુમાવતો હતો. ૧૭૨૧ના બોસ્ટન શહેરમાં શીતળાનો રોગચાળો ફેલાતા શહેરની અર્ધી વસ્તી ચેપગ્રસ્ત બની ગઈ હતી. આપણે ત્યાં પણ શીતળા વિશે કેટકેટલી માન્યતાઓ જોવા મળે છે અને એને દેવી સ્વરૂપે એના મંદિરો પણ નજરે પડે છે અને માનતાઓ રખાય છે. ૧૭૪૯ની ૧૭મી મેએ જન્મેલા ઈગ્લેન્ડના ફિઝિશિયન અને વિજ્ઞાની એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી અને સૌથી વિશેષ તો એ 'રોગપ્રતિકારક રસી' શોધનાર દુનિયાનો પહેલો શોધક બન્યો આથી એડવર્ડ જેનરને 'રોગ-પ્રતિરક્ષાવિજ્ઞાન'નો પિતા ગણવામાં આવે છે. કોઈપણ વ્યક્તિએ માનવજાતને બચાવી હોય, તેના કરતા વધુ માનવજિંદગીઓ બચાવનાર આ એડવર્ડ જેનર છે. એણે શીતળાની રસી બનાવી અને 'વેક્સિનેશન' શબ્દ એના દ્વારા પ્રચલિત બન્યો.

માત્ર પોતાને ત્યાં દૂધ આપવા આવતી ભરવાડણ સારાહ નેમ્ને કેમ ચેપ નથી લાગતો, તે વિચાર પરથી એની શોધ આગળ વધી અને એને જણાયું કે જેને ગાયના આંચળ પર થયેલો રોગ 'કાઉપોક્સ' થાય, તેને 'સ્મોલપોક્સ' શીતળા થતા નથી. આને માટે આઠ વર્ષના બાળક પર તેણે પ્રયોગ કર્યો. ત્યારબાદ સત્યાવીશ દર્દીઓ પર પ્રયોગ કર્યો અને એડવર્ડ જેનરે માનવજાતને બચાવનારી શીતળાની રસી શોધી અને સમય જતાં આ રસીકરણની પદ્ધતિ એક પછી એક દેશો અપનાવતા ગયા અને આજે આપણે સાંભળીએ છીએ કે વિશ્વ છેલ્લાં ચાર દાયકાથી શીતળાના રોગથી મુક્ત થયું છે.

કદાચ કોરોનાને હાહાકાર મચાવતો પોતાની નજરે જોનારને શીતળાના રોગની સંહારકતાનો ખ્યાલ ન આવે, પરંતુ એક સમયે એણે મહાનગરો અને શહેરોની વીસ ટકા વસ્તીનો નાશ કર્યો હતો, કારણ કે આ મહાનગરોમાં એ ઝડપથી ફેલાતો હતો અને બીજા આંકડા જોઈએ તો એડવર્ડ જેનરની શોધ પૂર્વે શીતળાને વિશ્વની દસ ટકા વસ્તીને ભરખી લીધી હતી.

વાયરસના આ વિષમ ચિત્રની સામે હવે દુનિયાએ કમર કસી છે અને એક અર્થમાં કહીએ તો વાયરસ અને તબીબી સંશોધન વચ્ચે મહાયુદ્ધ ચાલે છે. જ્યાં સુધી એની વેક્સિન શોધાય નહીં, ત્યાં સુધી એ વાયરસની એક-ચક્રી આણ પ્રવર્તતી હોય છે. રસી શોધાયા બાદ એની જીવ-ઘાતક પ્રવૃત્તિ સાવ ઓછી થઈ જાય છે. માત્ર સવાલ એટલો છે કે એ રોગ પ્રસરે અને એની વેક્સિન શોધાય એની વચ્ચેના ગાળામાં માનવજાતને ભયના ઓથાર હેઠળ અને જીવ ગુમાવવાની પરિસ્થિતિ વચ્ચે જીવવું પડે છે.

આને માટે ટેક્નોલોજી માનવજાતને સહારે આવશે. ભવિષ્યનું દર્શન કરીએ તો ખ્યાલ આવે કે આપણા રોગવિજ્ઞાનવિષયક શત્રુઓનો ટેક્નોલોજી દ્વારા વિનાશ કરી શકીશું અને તેમાં કમ્પ્યૂટરનો આપણને સબળ સાથ મળશે. એવા કમ્પ્યૂટર મોડલ તૈયાર થશે કે જેમાં પળવારમાં જ દસ લાખ લોકોની સારવાર કરી શકાશે. વળી આ ઉપરાંત આપણે માનવ જીનોમનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છીએ અને તેને પરિણામે પહેલેથી જ રોગોની સારવાર શરૂ કરી શકાશે.

સૌથી મોટી વાત તો આપણી પાસે રોગ વિશેનો મોટો ડેટા હશે. રોગ સામે ઝઝૂમતા કે લડતા અસંખ્ય દર્દીઓની હિસ્ટ્રી મેળવી શકાશે. એમાંથી મળતી માહિતી દ્વારા એનો ઉપચાર શોધવાની સરળતા રહેશે. ઠેર ઠેરથી માહિતી મેળવવી અને પછી સંશોધન કરવું એ પરિસ્થિતિમાંથી મુક્તિ મળશે. ડૉ. અલી પારસા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે અને તેઓ ડોક્ટર કરતાં વધારે સારી રીતે રોગોનું નિદાન અને સારવાર કરી શકે તેવા એ.આઈ. પર કામ કરે છે. 'બેબીલોન હેલ્થ' નામની ડિજીટલ હેલ્થ કંપની દ્વારા બ્રિટનમાં વસતા આ ઈરાની ડૉક્ટરે રોગોનું નિદાન કરતી 'એપ' બનાવી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે તો ત્રણેક વર્ષમાં એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે ડૉક્ટરો કરતાં મશીન વધુ સારી રીતે એના ડેટા, અભ્યાસ અને સંશોધનને આધારે નિદાન કરી શકશે. આપણે વિચારીએ કે ત્રણના બદલે કદાચ દસ વર્ષ થાય, પણ જગત આ તરફ ગતિ કરી રહ્યું છે. કારણ કે સમય જતાં વધુ ડેટા અને સસ્તા સેન્સર્સનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંયોજન થતા ખૂબ ઝડપથી સફળતા હાંસલ કરી શકાશે.

એના ઉદાહરણ તરીકે એમ કહેવામાં આવે છે કે આ વાયરસ એ તો પ્રપંચી નાનાં જીવો છે. તેઓ પાસે કોઈ સમજ નથી, પણ એ કાર્યક્ષમ પ્રયત્નશીલ હોય છે. જ્યારે માણસ પાસે એનો સામનો કરવા માટે વ્યૂહરચના છે. જ્યારે એ વ્યૂહરચનાનો પ્રતિકાર કરવાની વાયરસ પાસે શક્તિ હોતી નથી. રસી શોધાયા બાદ વાયરસનો દુષ્પ્રભાવ નષ્ટ થઈ જાય છે. બસ, આ જ આપણી રમત છે અને એમાં જે વહેલો ફાવે તે જીતે છે. માત્ર આપણે રાહ જોવાની છે અદ્દભુત ટેક્નિકના સંશોધનની સર્જાતી વેક્સિનની.

આપણે ત્યાં પણ હવે અમુક પ્રકારનું અંઘત્વ ધરાવતા લોકોને મર્યાદિત દ્રષ્ટિ આપતા ચશ્મા પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવે છે. યુરોપના હાઈ બ્લડપ્રેશરની અસરકારક સારવાર માટે રેડિયોતરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. વળી કુત્રિમ અંગો વિકસાવવામાં આવ્યાં છે, જે માનવીના બ્રેઈન દ્વારા નિયંત્રિત થાય છે અને કદાચ હજુ ભાવિ પ્રત્યે દ્રષ્ટિ કરીએ તો એમ કહી શકાય કે એ સમય દૂર નથી કે જ્યારે નવી નસો અને ધમનીઓની ૩ઘ પ્રિન્ટ કરીશું અને લીવર જેવા અવયવોને આસાનીથી બદલીશું.

એવી જ રીતે પુનર્વસન કરતા વિકલાંગોને રોબોટિક્સ અંગો સહાય પૂરી પાડશે અને તે વિકલાંગ વ્યક્તિ ધીમે ધીમે હાથ અને પગનો ઉપયોગ પાછો મેળવવાની મંજૂરી આપશે. વળી હવે ટેલિપ્રેઝન્સ રોબોટ્સ કે જે ડૉક્ટરોને વિશ્વમાં ગમે ત્યાં કોઈનું વર્ચ્યુઅલ નિદાન કરવાની મંજુરી આપે છે. જ્યારે કમ્પ્યૂટર નિયંત્રિત લેસરો એવી શસ્ત્રક્રિયા કરી રહ્યા છે કે જે માનવી પોતાના હાથથી ન કરી શકે. નેધરલેન્ડની એક કંપનીએ એક એવી ટેબ્લેટ બનાવી રહી છે કે જે શરીરનાં ચોક્કસ ભાગમાં તેના ઔષધીય તત્ત્વોને પહોંચાડવા માટે મુસાફરી કરી શકે છે.

મિત્રો ! આવી યાદી તો ઘણી છે. માત્ર સવાલ એ છે કે ટેકનોલોજીના સહયોગથી વ્યક્તિ પોતાની સારવાર કરાવી શકે એ એટલો આર્થિક રીતે સક્ષમ હશે ખરો ? પણ ટેકનોલોજીનાં મુખ્ય લક્ષણોમાનું એક લક્ષણ એ છે કે સમય જતાં એ ટેકનોલોજીની શક્તિ વધે છે અને સાથોસાથ એની કિંમતમાં ઘટાડો થાય છે. કમ્પ્યૂટર અને લેપટોપની બાબતમાં તો તમને આવો અનુભવ થઈ શક્યો છે ને ? ચાલો, ભાવિની કલ્પના કરીએ અને માનવીએ રચેલી ટેકનોલોજીથી આધિ, વ્યાધિ અને ઉપાધિગ્રસ્ત માનવીને સહાય કરીએ !

મનઝરૂખો

ગ્રીસના અત્યંત પ્રભાવશાળી રાજપુરુષ, પ્રખર વક્તા અને એથેન્સ નગરના જનરલ પેરિક્લિસે (ઈ.સ. પૂર્વે ૪૯થી ઈ.સ. પૂર્વે ૪૨૯) એથેન્સ નગરના સમાજજીવન પર ગાઢ પ્રભાવ પાડયો. એને એથેન્સનો 'પ્રથમ નાગરિક' તરીકે ઓળખવામાં આવ્યો.

એણે એથેન્સમાં કલા અને સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપીને પ્રાચીન ગ્રીસના આ નગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું. પેરિક્લિસ એ લોકશાહીનો પ્રબળ પુરસ્કર્તા હતો અને ઉત્તમ શાસક હોવા છતાં પ્રજામાં એના ટીકાખોરો અને નિંદાખોરો તો હતા.એક દિવસ એના એક પ્રખર વિરોધીએ પેરિક્લિસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. સવારથી એને વિશે બેફામ વિધાનો કર્યાં. દોષારોપણ કર્યા અને ગુસ્સાભેર એની સમક્ષ અપમાનજનક વચનો કહ્યાં.

પેરિક્લિસ વિરોધીઓની ટીકાથી સહેજે અકળાતો નહીં. એ શાંતિથી સઘળું સાંભળતો રહ્યો. એના વિરોધીએ આખી બપોર આક્ષેપબાજીમાં ગાળી અને સાંજ પડી છતાં એ અટક્યા નહીં. અંધારું થવા લાગ્યું.પેલો વિરોધી બોલી બોલીને અને હાથ ઉછાળી ગુસ્સો કરીને થાક્યો. એ ઘેર જવા લાગ્યો ત્યારે પેરિક્લિસે એના સેવકને બોલાવીને કહ્યું, 'તું એની સાથે ફાનસ લઈને જા. અંધારામાં એને રસ્તો નહીં જડે અને ક્યાંક ભૂલો પડી જશે.' પેરિક્લિસનાં આ વચનો સાંભળી એનો પ્રખર વિરોધી વિચારમાં પડયો. એના પર આક્ષેપોની ઝડી વરસાવી. કશું કહેવામાં બાકી રાખ્યું નહીં છતાં પેરિક્લિસ મારી આટલી બધી સંભાળ લે છે. આમ વિચારતાં એનો ગુસ્સો ઓગળી ગયો અને પોતાના દુર્વર્તન બદલ ક્ષમા માગી.

ક્ષણનો સાક્ષાત્કાર

ક્રોધ, ગુસ્સો, તોછડાઈ અને બેઅદબીનો મહિમા કરતો કેવો જમાનો આવ્યો છે ! સૌજન્ય, સદ્દભાવ અને સહ-અનુભૂતિને જીવન અને આચરણમાંથી વિદાય આપી દીધી છે અને માલિક માને છે કે કર્મચારી પર ક્રોધ કે ગુસ્સો દેખાડીએ, તો જે એ 'સીધો ચાલે'. ભવાં ઊંચા રાખીને કામ કરીએ, તો જ ઓફિસર કહેવાઈએ. ઘણા પુરુષને માટે એને ગૂંગળાવતા ક્રોધને પ્રગટ કરવાનું હાથવગું સાધન એની પત્ની હોય છે. આમ ક્રોધને સહુ કાર્યસાધક માનવા લાગ્યા છે અને માને છે કે તો જ પોતાનો ડંકો વાગી શકે. તો જ કામ કઢાવી શકાય અને સફળ થઈ શકાય. ચાની આદતની જેમ કેટલાકને ક્રોધ કરવાની આદત પડી જાય છે.   તમારો ક્રોધ બીજાને ડંખશે, પણ આવો ક્રોધ કરનારને એ હકીકતનો ખ્યાલ હોતો નથી કે એનો ક્રોધ એને જ સૌથી વધુ ડંખશે ! ક્રોધ બતાવનાર પોતાનું પ્રભુત્વ દેખાડવા કે સ્થાપવા ચાહતો હોય છે, પણ ક્રોધ એનું પતન કરે છે, એની શક્તિઓ ક્ષીણ કરી નાખે છે અને એકાગ્રતા ઘટાડી નાખે છે. એ થવા જાય છે 'હીરો' પણ 'ઝીરો' બનીને અટકી જાય છે. વળી સૌથી વધુ તો જે વ્યક્તિ પર તમે ક્રોધ કર્યો હોય, તેના મનમાં જ્યારે તે તમારું સ્મરણ કરે, ત્યારે એ ક્રોધી છબી જ એને દેખાય છે. એક વાર કરેલો ક્રોધ સામેની વ્યક્તિના ચિત્તમાં જીવનભર જડાઈ રહે છે એ ભૂલવા જેવું નથી. એ જ તમારા વ્યક્તિત્વની અણગમતી પહેચાન બની જાય છે.


From: https://www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-15-october-2023-kumarpal-desai-parijat-no-parisamvad

૧૩ ઑગસ્ટને વિશ્ર્વ અંગદાન દિવસ

  અંગ દાનને પ્રોત્સાહન આપવું: ઉદારતા દ્વારા જીવન બચાવવું તાજેતરના વર્ષોમાં, સરકારી સંસ્થાઓ, આરોગ્યસંભાળ સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને સામાન્...

આરોગ્ય તથ્યો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.

ECHO News